વર્ષો પહેલા ગામના જૂના શ્રી રામજી મંદિરમાં દિવ્ય સંતશ્રી રામદાસ બાપુ આવેલા. તેઓ આખો દિવસ તપમાં લીન રહેતા. મંદિરમાં લોકોની અવર જવરથી તેમને તપ કરવામાં વિક્ષેપ પડતો હતો, જેથી તેઓશ્રીએ ગામના વડીલો સમક્ષ એકાંતમાં પોતાનો આશ્રમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વડીલોએ સમગ્ર ગામના સહયોગથી આ જગ્યા ઉપર આશરે દસ ફૂટ જેટલું માટી પુરાણ કરી સંતશ્રીને તપ કરવા માટે મઢી બનાવી. તેમણે આ જગ્યા ઉપર તપ કરી સદર જગ્યાને સિધ્ધ કરેલ. તેઓ શ્રી હનુમાનદાદાની હંમેશા ભક્તિ કરતા. એક દિવસ શ્રી રામદાસ બાપુ કોઈને કહ્યા વગર જગ્યા છોડી ચાલ્યા ગયા, તેઓ ક્યાં ગયા તેની આજદિન સુધી કોઈને જાણ નથી.
તેમના ગયા પછી ગામના વડીલોએ આ જગ્યા ઉપર શ્રી હનુમાનદાદાનું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને ગામના સહયોગથી તા.27-04-2002ના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. કહેવાય છે કે પ્રતિષ્ઠાના દિવસે પવન પુત્ર પોતાની સાક્ષાત હાજરી પુરવા આવ્યા હોય તેમ જોરદાર વાવાઝોડું આવેલ હતું અને આ જગ્યા ઉપર બાંધેલ પ્રતિષ્ઠાનો આખો મંડપ ઉડી ગયો હતો. જેથી ગામના લોકોને પ્રતિષ્ઠાનો નવો મંડપ ગામમાં શ્રી રામજી મંદિર પાસે ફરીથી બંધાવવો પડેલ હતો. શ્રી હનુમાનદાદા સાક્ષાત ગામમાં શ્રીરામને મળવા આવ્યા હોય તેવી અનુભૂતિ ગ્રામ લોકોને થયેલ હતી. ગામના વડીલો દ્વારા વર્ષ 2012 માં ગામના જુના શ્રી રામજી મંદિરને નવીન બનાવવાનું નક્કી કર્યું અને આ મંદિરની પૌરાણિક રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિઓ સદર શ્રી હનુમાનજી મંદિરમાં લાવવામાં આવી. આમ શ્રી રામદાસ બાપુને જુના શ્રી રામજી મંદિરની જે જગ્યાએથી સદર શ્રી હનુમાનજી મંદિરની સ્થાપનાનો વિચાર આવેલ હતો તે સમગ્ર શ્રી રામ દરબાર સ્વયં શ્રી હનુમાનદાદાએ પોતાના સમક્ષ પ્રસ્થાપિત કરી દીધો. સદર મંદિરમાં દર્શનાર્થી જે પણ મનોકામના લઈને આવે છે તે સંપૂર્ણ દાદા પોતાના આશીર્વાદથી પૂર્ણ કરી દે છે. જેથી જ આ મંદિરનું નામ "શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર" છે. ગામના યુવાનોએ યથાગ મહેનત કરી આ મંદિરના બગીચાને વિકસિત કરેલ છે અને નિયમિત રીતે મંદિર તેમજ બગીચાની જાળવણી પણ કરી રહ્યા છે. તેમ છતાં તેઓ એક જ વિઝન સાથે કાર્ય કરે છે કે "સદર મંદિર સમગ્ર ગામ તેમજ સર્વ દર્શનાર્થીઓની સંસ્થા છે, અમો તો માત્ર સેવા જ આપી રહ્યા છીએ."
સવારે 6:00 કલાકે
સાંજના 6:00 કલાકે
સવારે 6-00 થી રાત્રે 8-00 કલાક સુધી